Welcome to Kadavapatidar.org

(સુવર્ણ જયંતિ મહોત્સવ ૨૦૧૦ વેળાએ પ્રસિદ્ધ કરવામાં આવેલ ‘સ્મરણિકા’ પુસ્તિકામાંથી...)
શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજ
(તામિલનાડુ-કેરાલા-પોંડીચેરી)
દક્ષિણ ભારત ખાતે વડીલોના પદાર્પણ તેમજ સંગઠન રૂપી સામ્રાજ્ય-સ્થાપનાની ગાથા

કચ્છ એટલે આપણા સૌનું વહાલું વતન. આપણા પૂર્વજોની પવિત્ર જન્મભૂમિ. આજે આપણા દરેકની કર્મભૂમિ ભલે આ વતનથી હજારો કિ.મી. દૂર હોય, પરંતુ આ પવિત્ર ભૂમિનું સાંનિધ્ય દરેકને અકલ્પ્ય સુખ અને તાજગી પ્રદાન કરનાર તેમજ થાકેલા માટે એક વિસામા સમાન સાબિત થતું રહેલ છે.

કચ્છનો ઈતિહાસ અનેક ઊથલપાથલનો શાક્ષી છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મત પ્રમાણે હજારો વર્ષો પૂર્વે કચ્છની ધરતી સમુદ્ર તળમાં હતી, પણ પૃથ્વીની ભીતર થતી ઉથલપાથલથી ધરતીનો આ ખંડ બહાર ઉપસી આવ્યો. ‘કચ્છ’ શબ્દનો અર્થ સંસ્કૃતમાં કાચબો થાય છે. અગાઉ જ્યારે કચ્છના રણમાં દરિયાની ખાડી હતી ત્યારે કચ્છ એક બેટના સ્વરૂપમાં હતો, તેથી તેનો આકાર કંઈક (ઊંધા) કાચબાને મળતો આવતો હોવાથી આ અલંકારીક નામ પડ્યું લાગે છે.

પાટી એટલે જમીન અને દાર એટલે ધારણ કરનાર. મુસલમાન શાસકોના જમાનામાં ગુજરાતના કણબીઓને પટ્ટા ઉપર જમીન ખેતી કરવા માટે ફાળવવામાં આવતી. મહમ્મદ બેગડા વખતે ‘વાંટા’ પદ્ધતિ દાખલ થઈ. દરેક ગામમાંથી સૌથી સારા ખેડૂતોને (મોટે ભાગે આપણા કણબી ભાઈઓને) પસંદ કરી અમુક જમીન વાવવા માટે આપતો અને તેના બદલામાં તેને ખેડૂતો તરફથી અમુક ફિક્સ્ડ રકમ અમુક વર્ષ માટે આપવામાં આવતી. ત્યારબાદ તે અવધિના અંતે આ જમીન વાવનાર ખેડૂત પોતે જ આ જમીનના માલિક થઈ જતા. આવી રીતે જમીનોની માલિકી પ્રાપ્ત કરતાં, આપણા માટે ‘પાટીદાર’ શબ્દ પ્રચલિત બન્યો.

પાટીદારોની એક આગવી પિછાણ અને પોતાની આગવી અસ્મિતા છે. કચ્છમાં વારંવાર પડતા ભયંકર દુષ્કાળ અને તેના લીધે સર્જાતી અકલ્પ્ય વિષમ પરિસ્થિતીના કારણે આપણને આજીવિકા રળવા અન્યત્ર પર્યાય શોધવા ફરક પડી. વેપાર ધંધા અને રોજી રોટીની ખોજમાં એક ગામથી બીજે ગામ, પછી બીજા પ્રદેશમાં, ત્યાંથી અન્ય રાજ્યમાં અને છેવટે પરદેશની ધરતી ઉપર પણ ડગ ભરતાં આપણે ક્યારેય પણ અચકાયા નથી. તેમ છતાં એક પ્રશંસનીય વાત હમેશાં તે રહી છે, કે આપણે જ્યાં પણ ગયા છીએ ત્યાં આપણી અસલિયત જાળવી રાખી છે.

ઈતિહાસ પર નજર કરતાં જણાય છે કે 1850 થી 1885 અને એ પછી બીજા વિશ્વયુદ્ધની ભયંકર મંદીની આસપાસ એટલે કે 1940 થી 1950 સુધીના સમયમાં કચ્છીમાડુએ મોટાપાયે વતનમાંથી ઉચાળા ભર્યા છે એટલું જ નહીં એ જ્યાં પણ સ્થિર થયા છે ત્યાંના લોકો અને સમાજજીવન સાથે ઓતપ્રોત થઈને પ્રગતિનાં ઉચ્ચ શિખર સર કરતા રહેલા છે.

આજે અત્યંત સહજ અને સરળ જણાય છે તે કાર્યો, તે વખતમાં આર્થિક, શૈક્ષણિક, તેમજ આધુનિકતાના અભાવના કારણે ખૂબ જ કઠીન હતાં. તેમ છતાં આવી વિપરીત પરિસ્થિતીમાં પણ આપણા અનેક સાહસવીર વડીલો દેશ-વિદેશના પર-પ્રાંતને પોતિકો બનાવવા તથા પોત-પોતાના ક્ષેત્રે વિરલ ઇતિહાસનું સર્જન કરવા નીકળી પડેલ. “શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજ” નો ઇતિહાસ, આવી જ એક સાહસ ગાથાનું પરિણામ છે, જેનો સવિસ્તર અહેવાલ આ સાથે રજૂ કરેલ છે.

 

“શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજ” નો ઈતિહાસ એટલે દક્ષિણ ભારતમાં મા ઉમિયાનાં સંતાનોએ કરેલ પદાર્પણ ની કથા તથા તેઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ આ વિશાળ અસ્મિતાપૂર્ણ સામ્રાજ્યની ગૌરવગાથાનું વર્ણન. આજે આપણે “શ્રી દ.ભા.ક.ક.પા.સમાજ” રૂપી વિશાળ વટવૃક્ષની શિતળ છાયામાં જે આશ્રય માણી રહ્યા છીએ, તેના મૂળમાં દક્ષિણ ભારતના દરેક પ્રાંતમાં સમયાન્તરે સ્થિર થનાર આપણા અનેક વડીલોએ કરેલ સંઘર્ષની કથા છે.

આ અહેવાલમાં, સૌ પ્રથમ દક્ષિણમાં ચેન્નૈ ખાતે કયા સંજોગોમાં આપણા વડીલોનું સૌ પ્રથમ આગમન થયું, અહીં કેવી રીતે આપણા વડીલોનો સમૂહ અને સંગઠન વિકસિત થયાં, તે બારામાં થોડું જાણી ત્યાર બાદ આ સમાજની સ્થાપના તેમજ તેની પ્રવૃત્તિઓની ઝલક મેળવશું.

આપણા વડીલોએ જ્યારે આગમન કર્યું ત્યારે તેઓ અભણ હતા, અહીંની ભાષા, પ્રદેશ અને સંસ્કૃતિથી બિલકુલ અજાણ હોવા છતાં, અહીં આવી વસ્યા એ સાહસ ખરેખર ખૂબ જ પ્રશંસાને પાત્ર છે.

આપણા એવા એક સાહસવીર વડીલ સ્વ. કરમશીભાઈ શિવદાસ પોકાર (રવાપર), ખૂબ જ નાની વયે, પ્રારંભમાં મુંબઈ કરીયાણાની દુકાનમાં કામની શરૂઆત કરેલ અને ધીરે ધીરે તેમાંથી પ્રગતિ સાધતાં, મુંબઈના સુપ્રસિદ્ધ સરકારી કોન્ટ્રેક્ટર ‘તેજુ કાયા એન્ડ કંપની’ માં સબ-કોન્ટ્રેક્ટર તરીકે કામગીરી સંભાળેલ. આ રીતે તેઓએ દેવલાલી, નાસિક, વિશાખાપટ્ટનમ વગેરે ઠેકાણે પોતાનું કામ સંભાળેલ.

આ કંપનીને ને મદ્રાસ “આવડી” માં મિલિટરી કોન્ટ્રેક્ટ મળતાં તેઓશ્રી આ કંપનીનું કામ પુરૂં કરવા, સન ૧૯૪૨ માં સૌ પ્રથમ દક્ષિણના પાટનગર મદ્રાસ શહેર ખાતે આવેલ અને સન ૧૯૪૪ માં તેઓશ્રીએ ડાયરેક્ટ સરકારી કોન્ટ્રેક્ટ મેળવવા પોતાની અલગ કંપની મેસર્સ કે. એસ. પટેલ એન્ડ કંપનીની સ્થાપના કરેલ.

આ કંપનીમાં તેની સાથે વડીલો સ્વ. કાનજીભાઈ ભીમજી ભગત (ખોંભડી), સ્વ. રામજીભાઈ હરદાસ કાલરીયા તથા વડીલ શિવજીભાઈ વાલજી લીંબાણી (માનકુવા-ઘાટકોપર) પણ ભાગીદારો તરીકે જોડાયેલ.

આ સમય દરમ્યાન ઉપરોક્ત કંપનીના વેરણ, સુથારીકામ તથા દેખરેખ કાર્ય માટે વિગોડી તેમજ રવાપર ગૃપના વડીલો જેમ કે સ્વ. મેઘજીભાઈ પ્રેમજી ભાવાણી તથા શ્રી ભવાનજીભાઈ લખમશી મૈયાત તેમજ તેઓના કુટુંબી ભાઈઓ પણ જોડાયેલ. જુન ૧૯૪૫માં વડીલ શ્રી શિવજીભાઈ ગોપાલ ભગત (ખોંભડી), તથા સ્વ. કરસનભાઈ પ્રેમજી નાકરાણી પણ મુંબઈથી આવી ઉપરોક્ત કંપનીમાં જોડાયેલ. આમ તેઓના સથવારે સમયાન્તરે આપણા ઘણા વડીલોએ અહીં આગમન કરેલ.

આ દરમ્યાન લડાઈ બંધ થતાં, મિલિટરીનું કામકાજ ઓછું થઈ જતાં વડીલ કરમસીબાપા ૧૯૪૬ માં લાકડાં તરફ વળ્યા, અને “કે. એસ. પટેલ એન્ડ કંપની” ના નામે જ કરીમ બીડીની બાજુમાં બેસીન બ્રીજ ખાતે લાકડાંનો વ્યવસાય ચાલુ કરેલ. આજ ગૃપના વડીલોએ સાગર – સિમોગા ખાતે પણ લાકડાંનો વ્યવસાય ચાલુ કરેલ.

ત્યારબાદ ચેન્નઈ ખાતે સમયાન્તરે નીચે મુજબની સો મિલો આ સમયગાળામાં અસ્તિત્વમાં આવેલ.

તા. ૨૯-૦૬-૧૯૫૦ ના વડીલ શ્રી શિવજીભાઈ ગોપાલ ભગત, વડીલ સ્વ. કાનજીભાઈ ભીમજી ભગત, વડીલ સ્વ. ડાહ્યાભાઈ દેવશી ભગત તથા વડીલ સ્વ. ખેતાભાઈ મુળજી પોકાર એમ ચાર વડીલોએ સાથે મળીને, ન્યુ ભારત સો મિલની સ્થાપના કરેલ.

સન ૧૯૫૧ આસપાસ વડીલ સ્વ. ખેતાભાઈ મુળજી પોકાર ન્યુ ભારત સો મિલમાંથી અલગ થતાં, વિગોડી ગૃપના તેમજ કાદીયા ગૃપના વડીલો જેમ કે સ્વ. મેઘજીભાઈ પ્રેમજી ભાવાણી, સ્વ. કાલીદાસ પ્રેમજી ભાવાણી, સ્વ. મનજીભાઈ પ્રેમજી ભાવાણી, સ્વ. વિશ્રામભાઈ હરજી પોકાર, સ્વ. લધાભાઈ જેઠા પોકાર, સ્વ. ધનજીભાઈ મુળજી પોકાર, સ્વ. સોમજીભાઈ મુળજી પોકાર, સ્વ. શિવજીભાઈ હંસરાજ લીંબાણી વગેરે વડીલોએ સાથે મળી “શ્રી કૃષ્ણા સો મિલ” ની સ્થાપના કરેલ. (આ ગૃપમાં ન્યુ કૃષ્ણા સો મિલ, કનૈયા સો મિલ વગેરેનો પણ સમાવેશ થતો હતો.)

ચેન્નૈ ઉપરાંત ટ્રીચી ખાતે પણ તા. ૧૫-૦૯-૧૯૫૩ ના વડીલ શ્રી શિવજીભાઈ ગોપાલ ભગત, વડીલ સ્વ. કાનજીભાઈ ભીમજી ભગત, વડીલ સ્વ. જેઠાભાઈ હીરજી ઉકાણી, વડીલ જેઠાભાઈ રામજી ભગત વગેરે વડીલો દ્વારા “શ્રી ગણેશ સો મિલ” ની સ્થાપના કરવામાં આવેલ.

ચેન્નૈ ખાતે અન્ય સો મિલોમાં ઉખેડાના વડીલ સ્વ. મનજીભાઈ અરજણ સાંખલાએ ૧૯૫૪ માં પોતાના મુંબઈ પરિવાર સાથે મળી “શ્રી શંકર વિજય સો મિલ” ની સ્થાપના કરેલ તથા સ્વ. કરમશીભાઈ શિવદાસ પોકાર દ્વારા આ સમય ગાળામાં જ અન્ય એક સો મિલ “સાગર સો મિલ”, ની સ્થાપના કરવામાં આવેલ. સન ૧૯૫૫-૫૬ માં વેપાર કરવાના હેતુથી ત્રણ ગૃપ.. જેમ કે વડીલ સ્વ. કરમશીભાઈ શિવદાસ ગૃપ, વડીલ સ્વ. કાનજીભાઈ ભીમજી ગૃપ તથા શ્રી કૃષ્ણા સો મિલ ગૃપના સંગઠન થકી “બલારશા ટિમ્બર ટ્રેડીંગ કંપની” ચાલુ કરવામાં આવેલ.

આ સમય ગાળામાં જ વડીલ સ્વ. ડાહ્યાભાઈ દેવશી ભગત દ્વારા “સાઉથ ઈન્ડીયા સો મિલ” ની સ્થાપના કરવામાં આવેલ. ઉપરોક્ત તમામ સો મિલોની સ્થાપનાના પરિણામે, સ્થાપક વડીલોનાં પોતપોતાનાં સગાં-વહાલાં તેમજ સ્નેહીજનો જેમ કે સ્વ. કરમશીભાઈ શિવદાસ પોકારના સથવારે સ્વ. દાનાભાઈ સોમજી પોકાર, સ્વ. ખીમજીભાઈ સોમજી, સ્વ. પચાણભાઈ ભાણજી, સ્વ. હરિલાલ ભાણજી, સ્વ. લાલજીભાઈ દેવજી પરિવાર તેમજ શ્રી રવજીભાઈ વિશ્રામ લીંબાણી પરિવાર.. તથા સ્વ. ડાહ્યાભાઈ દેવશી ભગતના સથવારે સ્વ. નારણભાઈ જેઠા ભગત પરિવાર વગેરે અહીં સ્થાયી થયેલ અને પાછળથી સ્વતંત્ર રીતે દરેક વડીલોએ પોત-પોતાના ધંધાનો વિકાસ કરેલ.

આવી રીતે પરસ્પર સગાનાં તેમજ નજીકના સંબંધોના હિસાબે અહીં ચેન્નૈ ખાતે અન્ય વડીલો પણ સ્થાયી થયેલ અને પરિણામે સહયોગી કંપનીઓ અને જનસંખ્યા ધીરે ધીરે વધવા લાગી. પરિણામે ચેન્નૈ ખાતે આ સમય દરમ્યાન ઉપર જણાવ્યા મુજબ ન્યુ ભારત સો મિલ, શ્રી કૃષ્ણા સો મિલ, ન્યુ કૃષ્ણા સો મિલ, શ્રી કૃષ્ણા વિજય સો મિલ, કનૈયા સો મિલ, શ્રી શંકર વિજય સો મિલ, સાગર સો મિલ, શ્રી બલારશા ટીમ્બર ટ્રેડીંગ કંપની, સાઉથ ઈન્ડિયા સો મિલ, આશાપુરી સો મિલ વગેરે અસ્તિત્વમાં આવેલ.

ધીરે ધીરે આપણા ભાઈઓનો સમૂહ આ રીતે મોટો થતાં, પરસ્પર સહકાર તેમજ બંધુત્વની ભાવના વિકસાવવા સમાજ રચના માટેની જરૂરિયાત ઊભી થયેલ. પરિણામે ૧૯૫૫ માં સૌ પ્રથમ “શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ – મદ્રાસ” ની સ્થાપના કરવામાં આવેલ. આ રીતે દક્ષિણ ભારતમાં કચ્છ કડવા પાટીદારોનું આ પહેલું સંગઠન અસ્તિત્વમાં આવેલ.

આ સમય દરમ્યાન સારી એવી સંખ્યામાં આપણા અન્ય વડીલોએ પણ દક્ષિણ ભારતના વિવિધ પ્રાંતોમાં પોતાનો વસવાટ કાયમ કરવા પહેલ કરેલ. જેમ કે..

પોલાચી ખાતે સ્વ. ડાહ્યાભાઈ દેવશી ભગત (ખોંભડી), સ્વ. માવજીભાઈ જેઠા મૈયાત (રવાપર), સ્વ. અબજીભાઈ શામજી વાસાણી (નવાવાસ),
કોઈમ્બતુર ખાતે સ્વ. ડાહ્યાભાઈ દેવશી ભગત, તથા સ્વ. અબજીભાઈ રામજી જબવાણી (કાદીયા),
તિરૂપુર ખાતે સ્વ. દેવજીભાઈ હંસરાજ ભાદાણી (નાગવીરી), સ્વ. ડાહ્યાભાઈ દેવશી ભગત (ખોંભડી), ખીમજીભાઈ અરજણ છાભૈયા (લક્ષ્મીપર) તથા નાનજીભાઈ ગોપાલ છાભૈયા પરિવાર,
ઈરોડ ખાતે સ્વ. વિશ્રામભાઈ અરજણ દિવાણી, તથા સ્વ. માવજીભાઈ પ્રેમજી દિવાણી,
સેલમ ખાતે માવજીભાઈ લાલજી પોકાર (કાદીયા), તથા સ્વ. કરમશીભાઈ શિવદાસ પોકાર (રવાપર),
ટ્રીચી ખાતે ચેન્નૈથી આવેલ વડીલો શ્રી શિવજીભાઈ ગોપાલ ભગત (ખોંભડી), તથા સ્વ. શિવજીભાઈ જેઠા ઉકાણી (ખોંભડી),
તંજાવુર ખાતે શ્રી વસંતભાઈ અરજણ રામજીયાણી (નેત્રા),
મદુરૈ ખાતે વડીલ સ્વ. માવજીભાઈ જેઠા મૈયાત (રવાપર), સ્વ. માવજીભાઈ વિશ્રામ ગોરાણી, (રવાપર) અને સ્વ. રાજાભાઈ ધનજી પોકાર,
ડીંડીગલ ખાતે સ્વ. દામજીભાઈ પચાણ પોકાર (ઘડુલી) તથા છાભૈયા પરિવાર,
ચિદમ્બરમ ખાતે રામજીભાઈ વીરજી લીંબાણી (મથલ),
કડલુર ખાતે સ્વ. અખૈભાઈ ડાહ્યા જાદવાણી (નવાવાસ),
રાજપાલયમ ખાતે વડીલ શ્રી ભવાનજીભાઈ લખમશી મૈયાત,
સેંગોટ્ટા ખાતે વડીલ સ્વ. માવજીભાઈ ભાણજી પોકાર (રવાપર), સ્વ. લખુભાઈ મનજી છાભૈયા (લક્ષ્મીપર), શ્રી નારણભાઈ ભાણજી રંગાણી, સ્વ. નાનજીભાઈ ભાણજી રંગાણી (રામપર), તથા ભીમજીભાઈ ગોપાલ છાભૈયા (લક્ષ્મીપર),
નાગરકોઈલ ખાતે પચાણભાઈ રામજી ઘોઘારી (દેશલપર-ગુંતલી),
ઓલવાકોટ ખાતે સ્વ. કાનજીભાઈ રતનશી મૈયાત (રવાપર),
ત્રિવેન્દ્રમ ખાતે સ્વ. અરજણભાઈ ધનજી ઘોઘારી, સ્વ. દેવશીભાઈ જીવરાજ ભગત તથા શ્રી હીરાલાલ જીવરાજ ભગત (રવાપર),
કોચીન ખાતે સોમજીભાઈ શિવજી ભગત તથા શ્રી ગોપાલભાઈ શિવજી ઘોઘારી,
પેરમ્બાવુર ખાતે વડીલ નારણભાઈ કાનજી જબવાણી, સ્વ. દાનાભાઈ નાગજી નાયાણી, વડીલ શ્રી હરજીભાઈ લાલજી ભાવાણી તથા ખેતાભાઈ લાલજી ભાવાણી (રસલીયા)... વગેરે વડીલોએ આવી રીતે દક્ષિણ ભારતમાં પોતાનો વસવાટ કાયમ કરવા પહેલ કરેલ.

કર્ણાટક વિસ્તારમાં પાટીદારોમાં સૌ પ્રથમ વડીલ શ્રી શિવજીભાઈ ગોપાલ ભગત ૧૯૫૭ માં બેંગલોર ખાતે પધાર્યા અને તેઓશ્રીએ તા. ૨૨-૧૦-૧૯૫૮ ના “અશોક સો મિલ ઍન્ડ વુડ વર્ક્સ” ની સ્થાપના કરેલ.

દક્ષિણ ભારતના વિવિધ પ્રાંતોમાં આપણા વડીલોના આગમનની સવિસ્તર ગાથા આપણા ઝોન વાર ઇતિહાસમાં વણી લેવામાં આવેલ છે, તેથી અહીં આપણે ફક્ત દક્ષિણના વિવિધ વિસ્તારમાં સૌ પ્રથમ પહેલ કરનાર વડીલોનાં નામ માત્રનો ઉલ્લેખ કરેલ છે.

હવે આપણે આપણી શ્રી દ.ભા.ક.ક.પા. સમાજના મૂળમાં આવીએ. શ્રી અખિલ ભારતીય ક્ચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રણાની બોર્ડીંગના ઉદઘાટન, તેના ભંડોળ તેમજ સામાજિક ચર્ચાઓ કરવા માટે નાગપુર ખાતે અખિલ ભારતીય ધોરણે ૧૯૫૯ માં એક મીટિંગ બોલાવવામાં આવેલ, જેમાં આપણા બંને વડીલો સ્વ. કરમશીભાઈ શિવદાસ પોકાર, તથા વડીલ સ્વ. કાનજીભાઈ ભીમજી ભગત હાજરી આપવા ગયેલ.

નાગપુરથી પાછા આવ્યા બાદ બંને વડીલોને વિચાર આવ્યો કે જો અખિલ ભારતીય લેવલે સમાજની સ્થાપના થઈ શકતી હોય, તો પછી દક્ષિણ ભારત લેવલે કેમ નહીં? આ માટે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ મદ્રાસની મીટિંગોમાં આ બારામાં ચર્ચાઓ ચાલુ કરવામાં આવેલ. મદ્રાસમાં દરેકને આ વિચારો સારા લાગતાં, બંને વડીલોને તે દિશામાં આગળ વધવા સહમતી આપવામાં આપેલ.

એ વખતે દક્ષિણ ભારતમાં જવા માટે મદ્રાસથી જ ટ્રેનો મળતી. આપણા ભાઈઓ મદ્રાસ પછી પોલ્લાચી અને ઓલવાકોટમાં વધારે હતા. તેથી આ ભાઈઓ કચ્છમાં જતી-આવતી વખતે મદ્રાસ આવતા અને અહીં પોતાનાં સગાં સંબંધીઓ અથવા ઓળખીતાંઓને ત્યાં રોકાતા.

આવા જ સંજોગોમાં એક વખત વડીલ સ્વ. રતનશીભાઈ દેવજી રંગાણી (ઓલવાકોટ)ને મદ્રાસ સમાજની મીટિંગમાં ભાગ લેવાનો મોકો મળ્યો. આપણા બંને વડીલોનો “શ્રી દક્ષિણ ભારત” લેવલે સંગઠન રચવાનો પ્રસ્તાવ તેઓને પણ ખૂબ ગમ્યો અને પરિણામે દક્ષિણના અન્ય વડીલો સાથે પણ સંપર્ક સાધી આ વિષયે જાગૃતિ લાવવામાં આવેલ.

અંતે નક્કી કરવામાં આવેલ કે તા. ૨૦-૧૧-૬૦ ના તામિલનાડુ અને કેરાલા સ્ટેટમાં વસતા આપણા ભાઈઓનું સ્નેહ-મિલન બોલાવવું અને તેમાં ચર્ચા-વિચારણા અંતે સહમતી સાધી “શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજ” ની સ્થાપના કરવી. આ માટે ચેન્નઈ ખાતે સાગર સૉ મિલને કેન્દ્ર બનાવી તામિલનાડુ અને કેરાલા સ્ટેટમાં લગભગ ૩૫ થી ૪૦ પત્રો લખવામાં આવેલ.

આવી રીતે તા. ૨૦-૧૧-૬૦ ના શુભ દિનનો ઉદય થતાં, મદ્રાસ ખાતે વડીલ સ્વ. કરમશીભાઈ શિવદાસ પોકારના અધ્યક્ષપણાં હેઠળ દક્ષિણ ભારતમાં વસતા આપણા પાટીદાર ભાઈઓનું એક સ્નેહ-મિલન બોલાવવામાં આવેલ જેમાં મદ્રાસ સહિત કૂલ ૪૩ સો મિલોના પ્રતિનિધિઓએ તથા ૧૫૦ અન્ય પાટીદાર ભાઈઓએ હાજરી આપેલ. બપોર સુધીના સત્રમાં સમાજ રચના માટેનો એક જ સૂર ગુંજી ઊઠતાં, બપોર પછીના સત્રમાં, રળિયામણી સુવર્ણ ઘડીએ શ્રી દ.ભા.ક.ક.પા.સમાજનો વિધિવત જન્મ થયેલ.

જ્યારે તેનાં નેતૃત્વ સંભાળવાની વાત આવેલ ત્યારે તેના પ્રમુખશ્રી માટે સ્વ. કાનજીભાઈ ભીમજી ભગતે, સ્વ. કરમશીભાઈ શિવદાસ પોકારના નામની રજૂઆત કરેલ જ્યારે સ્વ. કરમશીભાઈ શિવદાસ પોકારે, સ્વ. કાનજીભાઈ ભીમજી ભગતના નામનું સૂચન કરેલ.

આખરમાં વિધિવત્ ચૂંટણીના અંતે નીચે મુજબ ૧૫ સભ્યોની કારોબારી સમિતિની વરણી કરવામાં આવેલ.

પ્રમુખશ્રી : સ્વ. કાનજીભાઈ ભીમજી ભગત - મદ્રાસ
ઉપપ્રમુખશ્રી : સ્વ. માવજીભાઈ જેઠા મૈયાત- તિરૂનેલ્વેલી
મંત્રીશ્રી : સ્વ. હરીલાલ ભાણજી પોકાર - મદ્રાસ
સહમંત્રીશ્રી : સ્વ. રતનશીભાઈ દેવજી રંગાણી - ઓલવાકોટ
ખજાનચીશ્રી : સ્વ. વિશ્રામભાઈ હરજી પોકાર - મદ્રાસ
સભ્યશ્રી : સ્વ. કાનજીભાઈ રતનશી મૈયાત
સભ્યશ્રી : સ્વ. ડાહ્યાભાઈ દેવશી ભગત
સભ્યશ્રી : સ્વ. અરજણભાઈ ધનજી
સભ્યશ્રી : સ્વ. અબજીભાઈ રામજી જબવાણી
સભ્યશ્રી : શ્રી શિવજીભાઈ ગોપાલ ભગત
સભ્યશ્રી : સ્વ. મનજીભાઈ પ્રેમજી ભાવાણી
સભ્યશ્રી : સ્વ. નારણભાઈ કાનજી પટેલ
સભ્યશ્રી : સ્વ. મનજીભાઈ અરજણ સાંખલા
સભ્યશ્રી : સ્વ. પ્રેમજીભાઈ રતનશી પટેલ અને...
સભ્યશ્રી : સ્વ. નારણભાઈ જેઠા ભગત

આમ તા. ૨૦-૧૧-૧૯૬૦ માં શ્રી દક્ષિણ ભારત કડવા પાટીદાર સમાજની સ્થાપના કરવામાં આવેલ.

આ સમાજના સ્થાપક વડીલો પુરી રીતે નિ:સ્વાર્થ, સામાજિક સેવાના ભેખધારી, દીર્ઘદ્રષ્ટા અને શિક્ષણ-પ્રેમી હતા. તેથી જ વડીલ કરમશીબાપાએ રવાપર ખાતે પોતાની જમીન જ્ઞાન વિસ્તારક સંઘને સમર્પિત કરી રવાપર ખાતે જ્ઞાન સરિતા હાઈસ્કૂલનો ઉદય કરાવવા નિમિત્ત બન્યા. આજે અનેક વિદ્યાર્થીઓ આ શાળામાં વિદ્યા તેમજ સંસ્કાર રૂપી સમૃદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. પોતે શિક્ષણપ્રેમી હોવાથી જ તેમની સુપુત્રી અર્થાત્ આપણાં લક્ષ્મીબેન રવજી લીંબાણી (હોસુર) આજે અખિલ ભારતીય લેવલે આપણી સમસ્ત ક્ચ્છ કડવા પાટીદાર સમાજમાં પ્રથમ મેટ્રિક પાસ કરનાર મહિલા તરીકેનું સન્માન ધરાવે છે. આ આપણા સમસ્ત દક્ષિણ ભારતનું ગૌરવ છે.

“શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજ” નામમાં જે “દક્ષિણ ભારત” શબ્દો છે, તેનો હેતુ આંધ્રપ્રદેશ અને કર્ણાટકને પણ આપણી સાથે જ રાખવાનો હતો.

આંધ્રપ્રદેશમાંથી તિરૂપતી, સુલુરપેટ, શ્રીકાલાહસ્તિ, તેમજ નેલુર પણ આપણી આ સમાજના સભ્ય તરીકે હતાં. પાછળથી જ્યારે આંધ્રપ્રદેશ સમાજની સ્થાપના કરવામાં આવેલ, એટલે આ સભ્યો આંધ્રના હોવાથી, આંધ્રપ્રદેશ સમાજના સભ્ય બની ગયા.

તેવી જ રીતે કર્ણાટકમાં બેંગ્લોર, ટુમકુર, દાવનગીરી, હરીહર, સાગર, ઊડીપી, મેંગ્લોર, મંડ્યા વગેરે પણ દક્ષિણ ભારતના જ સભ્યો હતા. તેથી જ તો ૧૯૬૯ માં બેંગલોર ખાતે દક્ષિણ ભારત કડવા પાટીદાર સમાજની મીટિંગ ભરવામાં આવેલ. ૧૯૭૩ ની પ્રથમ વસતિ ગણતરીમાં આ સર્વે સભ્યોનો સમાવેશ થયેલો જોઈ શકાય છે. ત્યારબાદ દક્ષિણ કર્ણાટક સમાજની સ્થાપના થવાથી આ બધા જ સભ્યો ધીરે ધીરે આપણાથી અલગ થઈ દક્ષિણ કર્ણાટકમાં ભળી ગયા.

શ્રી દક્ષિણ ભારત કડવા પાટીદાર સમાજની મીટિંગ દિવાળી પછી તરત જ ભરવામાં આવતી. ૧૯૬૫ માં વિલિપુરમ ખાતે મીટિંગ રાખવામાં આવેલ, પરંતુ વરસાદ ખૂબ જ પડવાથી ખૂબ જ ઓછા સભ્યો હાજરી આપી શક્યા. ખૂબ જ વરસાદના કારણે આડા બેન્ડ-સૉ ની ટ્રૉલી ઉપર પાટિયા રાખી આ મીટિંગ ભરવાની ફરજ પડેલ. તેથી જ આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે સમાજની મીટિંગ હવે પછી જાન્યુઆરી મહિનામાં રાખવી.

આપણા વડીલો દૂરદર્શી હોવાના કારણે સમાજને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા તથા સમાજના સર્વાંગી વિકાસ માટેના કાર્યક્રમોનું સંપૂર્ણપણે અમલીકરણ કરાવવા આપણે ઝોન પદ્ધતિ સને ૧૯૮૨ આસપાસ બનાવી.

જે હેતુ માટે આ સમાજની સ્થાપના કરવામાં આવેલ, તે હેતુ અને લક્ષ્યને પામવા માટે તરત જ તે દિશામાં પ્રયત્નો ચાલુ કરી દેવામાં આવેલ.

શિક્ષણ અંગે..
આ સમાજના વડીલો શિક્ષણ બાબતમાં પહેલેથી જ ખૂબ જાગૃત હતા. એટલે જ સમાજની સ્થાપના સાથે જ સમાજે શિક્ષણ બાબત વિચાર્યું, જેના પરિણામ સ્વરૂપ અખિલ ભારતીય લેવલે સ્કૉલરશિપ આપવાની પહેલ આપણી આ સમાજે કરેલ. આ સહાયનો ઘણા વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે. ઉદા. તરીકે રવાપર વાળા ચંદુભાઈ આ સ્કૉલરશિપ મેળવી C.A થયા છે, જેઓએ ટૂંક સમય પહેલાં જ આ સમાજને યાદ કરી રૂ. ૫૧,૦૦૦/- નું સારૂં એવું યોગદાન અર્પણ કરેલ છે. તેવી જ રીતે શ્રી રામજીભાઈ લીંબાણી પણ આ સ્કૉલરશિપ થકી આર્કિટેક્ટ થયા છે. આવી રીતે ગુજરાતના બીજા ઘણા વિદ્યાર્થીઓએ આ સહાયનો લાભ લીધેલ છે. પાછળથી ગુજરાતના વિદ્યાર્થીઓની ફરિયાદ આવી કે અમૂક સુખી પરિવારના વિદ્યાર્થીઓ તેનો ખોટો લાભ લઈને ખોટા ખર્ચાઓ કરે છે, એટલે ૧૯૮૦ માં અખિલ ભારતીય લેવલે આ સ્કૉલરશિપ આપવાનું બંધ કરી આપણી સમાજના સભ્યો માટે આ સહાય આપવાનું ચાલુ રાખેલ છે.

આજે પણ આ સમાજ વિદ્યાર્થી ભાઈ-બહેનોનાં ઉચ્ચ શિક્ષણ માટે ખૂબ જ ચિંતિત છે. તેથી જ આ સમાજે વિદ્યાર્થી ભાઈ-બહેનોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂં પાડવા એક અલાયદા શૈક્ષણિક વિભાગ ની શરૂઆત કરી, દર વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ માં ૬૦% ઉપર ગુણ પ્રાપ્ત કરનાર ને તથા ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને સરસ્વતી પુરસ્કારથી તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ને વિવિધ કપ થકી સન્માનિત કરવામાં આવે છે. ખરેખર ગૌરવની વાત છે કે આજે ૯૬-૯૭ ટકા માર્ક્સ લઈ આવનાર તેજસ્વી તારલાઓ પણ આપણી સમાજમાં છે.

આર્થિક યોગદાન અંગે..
નખત્રાણા બોર્ડીંગના ફાળા માટે મુંબઈથી કેન્દ્રીય સમાજના પ્રમુખ સ્વ. શિવદાસભાઈ કાનજી નાકરાણી તથા ખીમજીભાઈ કચરા મૈયાત જ્યારે આવેલ ત્યારે તેઓનું મદ્રાસ ખાતે સન્માન કરી તામિલનાડુમાં ફેરવી સારો એવો ફાળો એકત્ર કરી આપવામાં આવેલ.

તદુપરાંત ૧૯૬૨ માં ચીન આક્રમણ વખતે ડિફેન્સ ફંડ એકત્ર કરવામાં આવેલ. તે વખતે સભ્યો ખૂબ જ ઓછા હોવા છતાં સારો એવો ફાળો એકત્ર કરવામાં આવેલ. બે ભાઈઓએ તો પોતાની સોનાની વીંટીઓ પણ ઉતારીને આ ઉમદા કાર્ય માટે આપી દીધેલ. આ તમામ યોગદાન તે વખતે મદ્રાસ ખાતે આરોગ્ય પ્રધાનને અર્પણ કરવામાં આવેલ.

મુંબઈ – ઘાટકોપર સમાજવાડી ખાતે જે ફાળો નોંધાવવામાં આવેલ, તે રકમ એ સમયમાં ઘણી મોટી હતી. તે સિવાય આપણે હરિદ્વાર ખાતે, નખત્રાણા તેમજ ભૂજ ખાતે કન્યા હોસ્ટેલમાં, રામેશ્વરમ્ તેમજ કન્યાકુમારી ખાતે યથાયોગ્ય ફાળા નોંધાવેલ છે. ગૌ સેવા કેન્દ્ર મથલ ખાતે પણ સારી એવી રકમ ફાળા તરીકે એકત્ર કરી આપવામાં આવેલ. તાજેતરમાં વિદ્યા સંકુલ સુરતના ફાળા માટે આવેલ ભાઈઓને પણ તામિલનાડુમાંથી સારૂં એવું યોગદાન કરી આપવામાં આવેલ.

તદુપરાંત આપણી કેન્દ્રીય સમાજના વિકાસ ફંડ માટે પણ આ સમાજ પોતાનું યોગદાન હમેશાં આપતી રહી છે. આમ આ સમાજે સર્વત્ર સારૂં એવું યોગદાન નોંધાવી સમસ્ત જ્ઞાતિ-બંધુઓના વિકાસ અર્થે સારો એવો ફાળો આપેલ છે.

સામાજિક સમાનતા અંગે..
સમાજમાં દરેક વર્ગના સભ્યોમાં સમન્વયતા જાળવવા, દેખાદેખીથી થતા વ્યર્થ ખર્ચ તથા સમયની બરબાદીને રોકવા આ સમાજે તા. ૧૪-૦૧-૧૯૯૪ ના સમૂહ લગ્ન સમિતિની રચના કરેલ. પરિણામે ટ્રીચી ખાતે તા. ૨૪-૦૧-૧૯૯૬ ના ૭ જોડલાં સાથે પ્રથમ સમૂહ લગ્ન સમારોહના શ્રીગણેશ થયેલ. આ મહામૂલ્ય મહોત્સવમાં આજ પર્યંત (તા. ૨૦-૦૧-૨૦૧૦ ના સમૂહ લગ્ન આયોજન સહિત) કૂલ ૨૪૦ યુગલો પ્રભુતામાં પગલાં પાડી ચૂક્યાં છે. આ કાર્ય સમૂહ લગ્ન સમિતિ ખૂબ જ નિષ્ઠાપૂર્ણ બજાવી રહેલ છે. આ સમિતિના પ્રમુખશ્રી તરીકે શ્રી રતનશીભાઈ જેઠા ઉકાણીએ ૬ વર્ષ, શ્રી દેવશીભાઈ માવજી લીંબાણીએ ૯ વર્ષ, તથા શ્રી દેવશીભાઈ નારાયણ રંગાણી ગત વર્ષથી આ દોર સંભાળી રહેલ છે. જ્યારે મંત્રીશ્રી તરીકે શ્રી અરૂણભાઈ હીરાલાલ ભગત છેલ્લાં ૧૬ વર્ષથી એકધારી સેવા આપી રહેલ છે. સમિતિના અન્ય સભ્યો પણ ખુબ જ ખંત અને ઉત્સાહથી સેવા આપી રહેલ છે. અત્રે ખરેખર ઉલ્લેખનીય છે કે આ સમારોહ વખતે દર વર્ષે દાતાઓ છૂટા હાથે દાનની સરવાણી વહાવે છે, છતાં ક્યારે ય પોતાનું નામ પ્રકટ થવા દેવા નથી, જે ખરેખર તેઓની મહાનતા છે.

આ સમાજની મહિલા પાંખ “શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ” નું પ્રથમ સ્નેહ મિલન ચેન્નૈ ખાતે તા. ૧૪-૦૧-૧૯૯૦ ના યોજવામાં આવેલ, જેના પરિણામે આ મંડળની વિધિવત સ્થાપના ટ્રિચી ખાતે તા. ૧૩-૦૧-૧૯૯૪ ના થયેલ. આજે આ મંડળ ખૂબ જ જાગૃત છે. જ્યારે જ્યારે આ સમાજની મીટિંગો હોય છે, ત્યારે ત્યારે આ મહિલા મંડળ પણ પોતાની રીતે જ અલગ સભાઓનું આયોજન કરે છે, અને સમાજમાં વ્યાપ્ત વિવિધ દૂષણોને નાથવા તથા સમાજને સુસંસ્કારી બનાવવા હમેશાં પ્રયત્નશીલ રહે છે.

“વડીલોની આંખ અને યુવાનોની પાંખ” કહેવતને સાર્થક કરવા, આ સમાજની યુવા પાંખ “શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ” ની રચના તા. ૧૬-૦૭-૨૦૦૬ ના કરવામાં આવેલ. પરિણામે આ સમાજને મજબૂત પીઠબળ સાંપડ્યું છે. આ યુવા પાંખ સમાજના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમો થકી અમૂલ્ય યોગદાન આપતી રહી છે. આ મંડળના ઉપક્રમે ચેન્નૈ ખાતે બિઝનેશ સેમિનાર, કોઈમ્બતુર ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીજીના સાંનિધ્યમાં તનાવ મુક્ત દાંપત્ય જીવનની શિબિર, સંગમમ ૨૦૦૯, હોસુર ખાતે ગૃહિણી તાલીમ શિબિર વગેરે જેવા સમાજોપયોગી કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલ છે.

સમાજના દરેક વર્ગને એક સૂત્રે બાંધવા અને આપસમાં વિચારોની આપ લે અને સમન્વયતા સાધવા, આ સમાજે બંધારણીય જોગવાઈ થકી ઉપરોક્ત બંને પાંખોના પ્રમુખશ્રી તેમજ મંત્રીશ્રીને આ સમાજની કારોબારીમાં સ્થાન પ્રદાન કરેલ છે.

સમાજની સ્થાપના વખતે માત્ર ૪૫ સો મિલ સભ્યોની તથા ૬ સ્વતંત્ર સભ્યોની જે સંખ્યા હતી, તે આજે વિશાળ વટવૃક્ષ સમાન બની ગયેલ છે. આજે અંદાજે ૭૫૦ કંપની સાથે કૂલ વસતિ ૬૦૦૦ આસપાસ થવા જાય છે.

આટલો મોટો ભૌગોલિક વિસ્તાર અને આટલી વિશાળ વસતી હોવા છતાં, સમાજની સામાન્ય સભાઓ દર વર્ષે અહીંના સ્થાનિક તહેવાર પોંગલના એટલે કે જાન્યુઆરી ૧૪, ૧૫ ની આસપાસ, સભ્યોની વિશાળ હાજરી સાથે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. દરેક ઝોન વારાફરતી ખૂબ જ ખંત અને ઉત્સાહથી આ સભાઓનું આયોજન કરે છે. આજકાલ આવી સભાઓ આડકતરી રીતે મેરેજ બ્યુરોનું પણ કામ કરે છે.

ખૂબ જ ગર્વની વાત છે કે આ સમાજે જ્ઞાતિજનોના હીતાર્થે તેમજ સમાજના સર્વાંગી વિકાસ માટે આજ પર્યંત અનેક ઐતિહાસિક ઠરાવો પાસ કર્યા છે. જેમાં ટૂંક સમય પહેલાં જ.. આ સુવર્ણ જયંતિ વેળાએ જ્ઞાતિજનોને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા “આરોગ્ય નિધિ” રચવાના ઠરાવને સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે.

આ સમાજે સમયે સમયે વિવિધ પ્રકાશનો થકી સમસ્ત સમાજને એક તાંતણે બાંધવાનો તથા પરસ્પર સંબંધો વિકસાવવાનો પ્રયાસ કરેલ છે. આ સમાજે પરિવાર પરિચય પુસ્તિકાનું પ્રકાશન અનુક્રમે સન ૧૯૭૩ માં, ૧૯૮૩ માં, ૧૯૯૩ માં અને છેલ્લે સન ૨૦૦૪ માં હાથ ધરેલ છે.

તદુપરાંત સમાજના જરૂરિયાતમંદ સભ્યોને આર્થિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે મદદ કરવા માટે સંબંધિત ઝોન દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે છે. આવાં કાર્યોને વેગ આપવા, દરેક ઝોનને ગ્રાન્ટ થકી પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે.

આવી રીતે સમાજના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલતી રહેલ છે, જેનું અત્રે સંક્ષિપ્તમાં જ વર્ણન કરેલ છે. કોઈ પણ સમાજના વિકાસમાં નાના મોટા દરેક સભ્યોનો ફાળો હોય છે. આ સમાજને મજબૂત બનાવવા પાછળ પણ કેટલાય વડીલોએ પોતાનું કૌવત, સમય, તન, મન અને ધનનું યોગદાન આપેલ છે, જેનું વર્ણન કરવું ખરેખર અશક્ય છે.

આમ આ પચાસ વર્ષના ગૌરવશાળી ઈતિહાસ રચવામાં જે વડીલો પાયાના પથ્થર બની પોતાના અમૂલ્ય માર્ગદર્શન તેમજ યોગદાનથી, આ સમાજને મજબૂત, સંગઠીત અને સુસંસ્કૃત બનાવેલ તે તમામ વડીલોનો, તથા આ સમાજના વિકાસ અર્થે જે જે સભ્યોએ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે પોતાનું યોગદાન આપેલ છે, તે તમામ સભ્યોનો આ સુવર્ણ જયંતિ વેળાએ નત મસ્તકે સાદર પ્રણામ કરીએ છીએ.

અંતમાં એટલું જ કે આપણા વડીલોએ જે આ સમાજનો પાયો નાખી આપણને સંગઠન અને સંસ્કાર રૂપી વારસો આપ્યો છે, તે આપણે સૌ બરાબર રીતે જાળવી શકીએ અને આ સમાજને ઉત્તરોતર હજુ પણ ઉંચા સ્થાને લઈ જઈ શકીએ તેવી સમજણ અને શક્તિ મા ઉમિયા આપણને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.

અસ્તુ.

તા.ક: ઉપરોક્ત સમાજના ઇતિહાસ રૂપી મહાસાગરમાં સમાજના પાયાના પથ્થર સમાન અગણિત વડીલ રત્નો સમાયેલાં છે. તેથી જાણ્યે અજાણ્યે કોઈ પણ વડીલ રત્નની અવગણના થઈ ગઈ હોય, તો તે બદલ ઉદાર દિલે ક્ષમા કરશો.
- અધ્યક્ષ, પ્રકાશન સમિતિ